વિભક્તિ એટલે શું?

  • વાક્યોનાં પદો વચ્ચે કર્તા, કર્મ વગેરે જુધ-જુદા પ્રકારનાં જે સંબંધો હોય છે તેને વિભક્તિ સંબંધ કે વિભક્તિનો કહેવામાં આવે છે.
  • ‘એ’, ‘કે, ‘થો’, ‘માં’,’નો’, ‘ની’, ‘નું’, ‘નાં’ વગેરેને વિભક્તિ પ્રત્યયો કે અનુગો કહે છે.

 

યાદ રાખો:

  • અનુગો અને નામયોગી બન્ને પદની પાછળ આવે છે અને વિભક્તિ દર્શાવે છે.
  • અનુગો પદ સાથે જોડાઈને આવે છે. નામયોગી અલગ મુકાય છે.
  • નામયોગીઓ ઘણીવાર પોતાની પહેલાં ને, નો, નું, ના, નાં વગેરેમાંથી કોઈ અનુગ લે છે.
  • અનુગોની સંખ્યા ચોક્કસ છે, જેમ ‘કે’, ‘એ’, ‘ને’, ‘થી’, ‘નો’, ‘નો’, ‘નું’, ‘નાં’, ‘માં’
  • નામયોગીઓ અનેક છે. જેમ કે, વડે વતી, થકી દ્વારા, મારફત, સાથે, સિવાય, વિના, લીધે, કારણે, તરીકે, પેઠે, માફક, માટે, કાજે, વાસ્તે, સારૂં, ખાતર, તણું, કેરું, પાસે, તરફ, સામે, અંદર- બહાર, ઉપર, નીચે, આગળ, પાછળ, સુધી, અંગે વગેરે...
  • વિભક્તિના અનુગો કે નામયોગીઓ મુખ્યત્વે સંજ્ઞા અને સર્વનામને લાગે છે.
  • અનુગો હંમેશા પદની સાથે જોડાઈને આવે છે.
  • નામયોગી હંમેશા પદથી અલગ આવે છે.
  • ટૂંકમાં વિભક્તિ એટલે સંજ્ઞા કે સર્વનામનાં પદોનો ક્રિયાપદ સાથેનો કે અન્ય સંજ્ઞા, સર્વનામ સાથેનો સંબંધ.

ગુજરાતી ભાષામાં કુલ આઠ વિભક્તિઓ છે. 

(૧) કર્તા વિભક્તિ : (પ્રથમા વિભક્તિ) 

  • ક્રિયાનો કરનાર તે કર્તા છે. દરેક ક્રિયાનો કર્તા હોય છે.
  • સામાન્ય રીતે આ વિભક્તિનો પ્રત્યય લખાતો નથી. ક્યારેક અને “એ” પ્રત્યય લગાડવામાં આવે છે.
  • કર્તા વિભક્તિ ગુજરાતીમાં અનુગ વિના તેમજ ‘એ’, ‘ને’, ‘થી’ અનુગથી દર્શાવી શકાય છે.

ઉદાહરણો :-

અનિતા સરસ ગીત ગાય છે.

શિક્ષક વર્ગમાં ભણાવે છે.

છોકરીઓ મેદાનમાં રમે છે.

પંકજ સરસ ક્રિકેટ રમે છે.

શ્યામ હંમેશા કસરત કરે છે.

અનિતાએ સરસ ગીત ગાયું.

રીના કપડાં ધોવા બેઠી છે.

આદિત્યને રમવું ગમે છે.

ગિલાએ છકડાનું હેન્ડલ પકડ્યું.

મને તેની વાત જરાય ન ગમી.

ખતુડોશીને એક દીકરો હતો.

પૃથ્વિીવલ્લભ ગરવાઈથી ચાલતો હતો.

ઝવેરબાપા વહેલી સવારે ચાલવા જતાં.

બાળકો શેરીમાં દોડાદોડી કરી રહ્યાં હતાં.

 

(૨) કર્મ વિભક્તિ : (દ્વિતીયા વિભક્તિ) 

  • કર્તા દ્વારા જે ક્રિયા થાય, જે પ્રવૃત્તિનો આધાર હોય અથવા તો કર્તા પોતાની ક્રિયા વડે જે ફળ પ્રાપ્ત કરવા ઇચ્છે તે કર્મ.
  • સામાન્ય રીતે ક્રિયાનો વિષય કે લક્ષ્ય હોય તે બનાવનાર પદને કર્મ કહેવાય.

ઉદાહરણ :-

જયેશ પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.

શિકારીના પગરવે સિંહણને ચમકાવી.

ચાલ, તને એક વાર્તા કહું.

નહીં શકું હાય! બચાવી કોઈને.

વદનસુધાકરને રહું નિષ્ફળી,

શિક્ષક બાળકોને વાર્તા કહે છે.

જાતમહેનત લોકોને માટે અનિવાર્ય છે.

ટોલ્સટોયે રશિયનોને ઘણો સાંસ્કૃતિક વારસો આપ્યો છે.

ગાંધીજીએ સરદારને આંદોલન શરૂ કરવા કહ્યું હતું.

રમેશ સાઈકલ લઈને ઘરે પહોંચ્યો,

ગાંધીજી ‘યંગ ઈન્ડિયા' પત્ર ચલાવતાં હતા.

ડ્રાઈવરે બસ પુરપાટ ઝડપે દોડાવી મૂકી.

દેશના નાગરિકોને બધા અધિકારો પ્રાપ્ત થયેલાં છે.

લેખકે લોકોને સ્વદેશપ્રેમ પુસ્તકમાં શીખવ્યો છે.

પ્રેમજીએ પુત્રને સોનેરી સલાહ આપી,

શિક્ષક છોકરાઓને મેદાનમાં રમવાં લઈ ગયો.

 

(૩) કરણ વિભક્તિ : (તૃતીયા વિભક્તિ)

  • કરણ એટલે સાધન. ક્રિયા કરવામાં જેનો ઉપયોગ થાય તે. ક્રિયા કરવામાં જે ઉપયોગી હોય તે.
  • જ્યારે ક્રિયાનું સાધન, રીત કે કારણ દર્શાવે છે ત્યારે તે કરણ વિભક્તિમાં છે એમ કહી શકાય.
  • કરણ વિભક્તિમાં વપરાતા નામયોગીઓ જેવાં કે ‘મારફત’, ‘તારા’, ‘માફક’, ‘વધુ’, ‘પેઠે’, ‘જેમ’, ‘સાથે’ વગેરે રીતનો અર્થ દર્શાવે છે.

ઉદાહરણ :-

ગ્રહી કરે, મસ્તકથી રહ્યો નમી.

જ્ઞાનબળથી આપલે બીજા પ્રાણીઓ કરતાં ઊંચા છીએ.

મજૂર કુહાડી વડે વૃક્ષ પર ઘા મારવા જાય છે.

તેણે બસ મારફત વસ્તુઓ મોકલાવી.

તેઓએ પેન્સિલથી કાગળમાં અલગ આકૃતિ દોરી.

ટ્રેન થયા પહેલાં તોરણિયા મારફત તેમાં ટપાલ આવતી.

તેણે દાંત વડે શેરડી ચીરીને ખાધી.

તેણે આત્મબળ વડે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી.

પોતાની કુનેહ વડે મુશ્કેલીઓ દૂર કરી.

તેણે પ્રામાણિક્તાથી બધાના દિલ જીતી લીધાં.

કાર્યક્રમમાં ગેરવ્યવસ્થાથી અંધાધૂંધી ફેલાઈ.

તેઓ ગૌરવથી યશગાથા ગાતાં હતાં.

હું બસ દ્વારા સાંજે ઘરે પહોંચ્યો.

લેખકે સરસ્વતીની સંનિષ્ઠાથી સેવા કરી.

આપણે સાત્ત્વિક્તા વડે જીવન સમૃદ્ધ બનાવી શકીએ.

 

(૪) સંપ્રદાન વિભક્તિ : (ચતુર્થી વિભક્તિ)

  • ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તે સંપ્રદાન.
  • આપવાની ક્રિયામાં જે વ્યક્તિ લેનાર હોય તેને સંપ્રદાન કહેવાય છે.
  • સંપ્રદાન વિભક્તિમાં ‘ને’, ‘માટે’, ‘વાસ્તે’, ‘સારું’, ‘કાજે’, ‘ને’ માટે વગેરે પ્રત્યયો કે નામયોગી લાગે છે.

ઉદાહરણ :-

વડીલોને ભગવાને ઘણું આયુષ્ય આપ્યું છે.

તે ગોપાળોને ગાય આપે છે.

દાદાજી બાળકો માટે ચોકલેટ લાવ્યાં.

પિતાજી અમારા વાસ્તે કંઈને કંઈ લઈ આવતાં.

દેશ કાજે જિંદગી હોમી દેવી એ જ શહીદોનો મંત્ર હતો.

ગંગા અને રઘુનાથ મહેમાનોની રસોઈ માટે તૈયાર હતાં.

નાનપણથી જ તેને સ્વતંત્રતાથી કામ કરવાની ટેવ પડી હતી.

શિક્ષક વિદ્યાર્થીઓને સમયપાલનનું મહત્વ સમજાવે છે.

ગાંધીજી સ્વદેશ કાજે લડી રહ્યાં હતાં.

તેઓ લોકહિત ખાતર સેવા કરતાં હતાં.

સુરેશ અપૂર્વને પેન્સિલ આપે છે.

તંદુરસ્તી માટે આવશ્યક ખોરાક લેવો જોઈએ.

બાળકો માટે અવનવાં રમકડાંઓ હું લેતો આવ્યો.

બધા જમવા માટે આસન પર બેસવા લાગ્યાં.

લોકોને ચૂંટણીમાં મત આપવાનો અધિકાર મળે છે.

 

(૫) અપાદાન વિભક્તિ : (પંચમી વિભક્તિ)

  • અપાદાન એટલે છૂટા પડવું તે.
  • વાક્યમાં જ્યારે છૂટા પડવાનો ભાવ (અર્થ) પ્રગટ થતો હોય ત્યારે અપાદન વિભક્તિ પ્રયોજાય.
  • અપાદાન વિભક્તિમાં છૂટા પડવાનો ભાવ હોય છે. જેનાથી છૂટા પડવાની ક્રિયા થઈ હોય તેને દર્શાવતું પદ અપાદાન વિભક્તિમાં છે એમ કહેવાય.
  • આમ, અપાદાન વિભક્તિના પ્રત્યયો ‘થી’, ‘થકી’, ‘માંથી’, ‘ઉપરથી’, ‘પાસેથી’, ‘ને લીધે’ વગેરે છે.

ઉદાહરણ :-

બપોરે લક્ષ્મી સ્કૂલથી ઘરે આવી ત્યારે દાદા બેઠાં હતાં.

સાંજની છેલ્લી ટ્રેન ભાવનગરથી નીકળી જાય.

થોડા દિવસ પછી મુંબઈથી આક્કાના વર અમારે ત્યાં આવ્યાં.

આંબાની છેલ્લી ડાળેથી કેરી પડી.

હું ઘરેથી સવારે ઓફિસે પહોંચ્યો.

વિદ્યાર્થીઓ શાળાથી ઘરે જતાં હતાં.

હું ગામડેથી શહેર તરફ આવતો હતો.

પ્રકાશ નિરાશાથી કંટાળી અભ્યાસમાં તલ્લીન થયો.

પ્રભાસ કચ્છથી નીકળ્યાને બારમો દિવસ હતો.

તલવારથી કાંઈ શાંતિ સ્થપાઈ શકે ?

પિતાજીની માંદગીથી તે ખૂબ જ દુઃખી છે.

ઊંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા.

આજથી હું ઉપવાસ ઉપર ઉતરવાનો છું.

અનુભવજ્ઞાનથી તેઓ બીજા કરતાં અલગ છે.

પ્રભુભક્તિથી જીવનનાં સંતાપો દૂર કરી શકાય.

 

(૬) સંબંધ વિભક્તિ : (પૃષ્ઠી વિભક્તિ)

  • એક નામને અન્ય નામ સાથે જોડનાર તે સંબંધ.
  • વાક્યમાં સંજ્ઞા કે સર્વનામના પદને ક્રિયાપદને બદલે બીજા સંજ્ઞા કે સર્વનામના પદ સાથે જોડવાની જરૂર પડે છે.
  • જે નામપદ આ રીતે બીજા નામપદ સાથેનો સંબંધ પ્રગટ કરે તે સંબંધ વિભક્તિમાં છે એમ કહેવાય.
  • ‘નો’, ‘ની’, ‘નું’, ‘નાં’, ‘તણું’, ‘કેરું’ વગેરે સંબંધ વિભક્તિનાં પ્રત્યયો દર્શાવે છે.

ઉદાહરણ :-

અમે તરત જ બપોરનું ભોજન લેવા ગયાં.

અવર સર્વ ગયા નૃપની કને,

તમે થાજો સતગુરુજીનાં દાસ રે.

 લોચનમનનો રે! કે ઝઘડો લોચનમનનો.

ઉદ્ધેગિત મન શાંતિનો અનુભવ કરી રહે છે.

આપણો દેશ હિંદુસ્તાન મહાદેવની મૂર્તિ છે,

સંકલ્પવીરોની શરૂઆતમાં તો જગત મશ્કરી જ ઉડાવે છે !

મને નાનપણથી જ ક્રિકેટનો ચસકો લાગ્યો હતો.

વસંતનું આ પ્રભાત આજે કંઈ નવો જ બોધ કરાવે છે.

ગામના ફળિયાનું મહત્વ અલગ જ હોય છે.

આ દિવસોમાં સવારસાંજનાં વાદળોનો સરસ આનંદ-પુંજ હોય છે.

ગ્રીષ્મ વિદાય થતો વર્ષાનું આગમન થાય છે.

ગોવિંદના દીકરાનું નામ હરિપ્રસાદ હતું.

કીર્તિદેવને મુંજાલના મુત્સદ્દીપણામાં પૂરો વિશ્વાસ હતો.

વસંત ભારતમાતાની આઝાદી માટે તત્પર હતો.

સવારે ગામના બધા લોકો એકઠાં થયાં હતાં.

 

(૭) અધિકરણ વિભક્તિ : (સપ્તમી વિભક્તિ)

  • ક્રિયાનો જે આધાર હોય તે અધિકરણ.
  • ક્રિયાનું ‘સ્થાન’ કે ક્રિયાનો ‘સમય’ બતાવનાર પદો અધિકરણ વિભક્તિમાં છે એમ કહેવાય.

ઉદાહરણ :-

ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહીં રે.

ભરતખંડ ભૂતળમાં જનમી જેણે ગોવિંદ ગુણ ગાય રે.

પરમાર્થી પરાક્રમી ઘણો, પર મુલકમાં પરવરે.

નહિં વૃક્ષ નહિં વેલ, નહિં પાને નહિં ફૂલે.

બાળકો ઘરની પાસેના મેદાનમાં રમતાં હતાં.

કાનાના ઘરમાં આવાં ઠામવાસણ છે.

સાહેબ ખુરશીમાં બેસીને વાતો કરવા લાગ્યાં.

તેઓ શામળાજી સુધી અમારી સાથે આવ્યાં,

મહાદેવના ડુંગર પાસે માઈકલ પર્વતની તળેટી આવેલી છે.

લીલી નાઘેરમાં ગોવિંદનું ખેતર હતું.

 પંખીઓ ડાળીએ બેઠાં-બેઠાં કલરવ કરતાં હતાં.

નગરની બહાર મોટો કલાત્મક પ્રવેશદ્વાર હતો.

મુંજાલે વિલાસ તરફ આક્રોશભરી નજરે જોયું.

અમે જમ્યાં પહેલાં જ ઘરેથી નીકળી ગયાં.

વરસાદ વરસ્યાં પછી વાતાવરણમાં ઠંડક હતી.

યાદ રાખો:-

ગુજરાતી ભાષામાં અંદર, બહાર, ઉપર, નીચે, પાસે, પડખે, તરફ, સામે, પહેલાં, પછી, બાદ, આગળ, પાછળ, સુધી, લગી વગેરે જેવાં નામયોગીઓ પણ ક્રિયાના સ્થાન કે સમય દર્શાવવા પ્રયોજાય છે. એટલે એ અધિકરણ વિભક્તિ દર્શાવે છે.

 

(૮) સંબોધન વિભક્તિ : (અષ્ટમી વિભક્તિ)

  • સંબોધન વિભક્તિ એક અર્થમાં કર્તા વિભક્તિ જ છે.
  • સીધું સંબોધન હોય ત્યારે એ પ્રયોજાય છે. વાક્યમાં કોઈને સંબોધન કરવામાં આવ્યું હોય તો એ પદ સંબોધન વિભક્તિમાં છે એમ કહેવાય.
  • સંબોધન વિભક્તિનું પદ વાક્યથી સ્વતંત્ર હોય છે અને તેને અલ્પવિરામ કે ઉગારચિત્રથી જુદું પાડવામાં આવે છે.
  • સંબોધન વિભક્તિમાં ‘હે’,' ‘ઓ’ વગેરે જેવાં પ્રત્યરૂપો પ્રયોજાય છે. એમાં કોઈ અનુગ કે નામયોગીનો ઉપયોગ થતો નથી.

ઉદાહરણ :-

જમાદાર, બંદુક ગાડામાં મૂકી દો.

ભાઈ રે ! નિત્ય રે'વું સતસંગમાં ને.

સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન !

દાદાજી ! અમને વાર્તા કહોને !

પુજ્ય પિતાજી ! સવિનય નમસ્કાર !

ક્ષમા, નાથ ! નહીં એ મેં જાણેલું મનની મહીં !

હે હ્યદય, દુશ્મન પ્રત્યે સદ્ભાવ રાખ, સદ્ભાવ રાખ.

ગોવિંદ, તું તારા બાલબચ્ચાને લઈ વતન ચાલ્યો જા

સ્વામીજી, તમે ઘરે ક્યારે પધારશો?

કીર્તિદેવ ! તમારી વાત સાચી છે.

મહારાજ, શબ્દોની શોભાથી હું છેતરાતો નથી.

જામસાહેબ ! એમાનું હું કેંઈ પણ જાણતો નથી.

બાળકો, આપણે કાલે પ્રવાસમાં જઈશું.

હે ભગવાન ! મારી ભૂલને ક્ષમા આપો.

થેંક યુ અન્કલ ! તમે મને ખુબ જ મદદ કરી.

 

GPSC મુખ્ય પરીક્ષા માટેનાં પ્રેક્ટીસ કરી શકાય તે માટેના અગત્યના પ્રશ્નો :- 

  1. વિભક્તિ એટલે શું ? વિભક્તિનાં પ્રકારો જણાવો.
  2. સંબંધ વિભક્તિ ઉદાહરણ સાથે સમજીવો.
  3. અધિકરણ વિભક્તિ સદાંત સમજીવો.
  4. સાધનના અર્થમાં કઈ વિભક્તિ પ્રયોજાય છે સમજાવો.
  5. કર્મ વિભક્તિનાં પાંચ દ્રષ્ટાંત સાથે સમજાવો.
  6. કર્તા વિભક્તિનાં પાંચ દ્રષ્ટાંત સાથે સમજાવો.
  7. સંપ્રદાન વિભક્તિ ઉદાહરણ સાથે સમજાવો.
  8. અપાદાન વિભક્તિ ઉદાહરણ સાથે સમજાવો.
  9. અનુગો અને નામયોગી વિક્તિમાં કઈ રીતે સહાયરૂપ છે તે સમજવો.
  10. વિભક્તિના પ્રકારો અને તેના પ્રત્યયો જણાવો.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up